કામ્યા ગોપલાણી દ્વારા લિખિત પત્રકારત્વ જીવન પર આધારિત લઘુનવલ ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી પ્રકાશિત કરાયું

યુવા લેખિકા, પત્રકાર, નાટ્ય લેખક કામ્યા ગોપલાણીનું બીજું પુસ્તક ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી’ પ્રકાશિત થયું., વરિષ્ઠ પત્રકાર, લેખક અને લોકગાયક નીલેશ પંડ્યાએ આપ્યો લઘુનવલનો ટુંકસાર

યુવા લેખિકા, પત્રકાર, નાટ્ય લેખક કામ્યા ગોપલાણીનું બીજું પુસ્તક ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી’ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી’ લઘુનવલ છે જેમાં પત્રકારત્વ જીવનનાં કેવા સંઘર્ષો હોય છે ? પત્રકારોનું જીવન કેવું હોય છે ? તે કાલ્પનિક પાત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કામ્યા ગોપલાણીએ આ પુસ્તક પોતાના સર્વે પત્રકાર મિત્રોને અર્પણ કર્યું છે. વરિષ્ઠ પત્રકાર, લેખક અને લોકગાયક નીલેશ પંડ્યાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. નીલેશ પંડ્યા લખે છે કે, “ક્ષણે ક્ષણે તેજ થતું જતું ચેનલનું પત્રકારત્વ; એની યુવા પત્રકાર સિદ્ધિ ને એની આજુબાજુ રચાતાં વિવિધ વમળોની રોમાંચકારી કથાનું સર્જન લેખિકા, પત્રકાર કામ્યા ગોપલાણીએ કર્યું છે.

પત્રકારને પોતાનો ધર્મ નિભાવવા જતાં સ્થાપિત હિતો સમેત અનેક વિડંબણાઓનો સામનો કરવો પડતો હોય છે ને એમાંય પત્રકાર જયારે યુવતી હોય ત્યારે….શું થાય એ જાણવા માટે આ કથા વાંચવી જ રહી ! ત્રીસ પ્રકરણોમાં પથરાયેલી કથાના દરેક પ્રકરણે સતત રહસ્ય જન્મે છે કે હવે શું થશે ? જેમ લઘુકથામાં અંત વાસ્તવિક છતાં ચમત્કારિક હોય છે એમ આ કથાનું દરેક પ્રકરણ લઘુકથા બની રહ્યું છે, જે લેખિકાની સૂઝ છતી કરે છે. કામ્યા નાટકો લખે છે ને ભૂમિકા પણ ભજવે છે એટલે કથામાં ટૂંકા અને ચોટદાર સંવાદો આપમેળે જ ગૂંથાઈ ગયા છે.”

લેખિકા કામ્યા ગોપલાણીએ પુસ્તકમાં જણાવ્યું છે કે, “પત્રકારત્વ શબ્દ એ મને આખી પત્રકારત્વ સૃષ્ટિથી પરિચિત કરાવી. પત્રકારત્વના અનુભવોની સાથે સાથે પત્રકારત્વની દુનિયા જેવી મને જોવા મળી એવી જ દુનિયા આ કથામાં મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કથામાં આવતાં પાત્રો જેવાં પાત્રો મારા પત્રકારત્વ જીવનમાં પણ ક્યાંક આવ્યાં હતાં. એમાંથી ઘણાં હજુ જીવનમાં છે અને ઘણાં પોતાની દુનિયામાં ખોવાઈ ગયાં છે. ચોથી જાગીર તરીકે પત્રકારત્વ ક્ષેત્રમાં કેટલા, ક્યા ક્યા સંઘર્ષો હોય છે એને આ કથામાં મેં વાચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.” આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા માટે https://amzn.eu/d/7QQbZbX લિંક પરથી પુસ્તક ખરીદી શકાય છે.

ઉલેખ્ખનીય છે કે કામ્યા ગોપલાણી શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના વિધાર્થીની રહી ચૂકયા છે. તેઓ પત્રકારત્વ, નાટક અને લેખન સાથે તો સંકળાયેલા છે જ. વધુમાં યોગ અને નેચરોપેથીના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન-રાજકોટ સાથે ત્રણ વર્ષથી જોડાયેલા છે.  21 મે, 2023 નાં દિવસે તેમના નાટ્ય સંગ્રહ ‘સતરંગી રે’નું વિમોચન મહાનુભાવોની હાજરીમાં થયું હતું. વિમોચન પ્રસંગે સાજન ટ્રસ્ટ અને શિવમ ફાઉન્ડેશન દ્વારા ‘સતરંગી રે’ નાટ્ય સંગ્રહનાં જ બે નાટકો અનુક્રમે ‘કૃષ્ણા’ અને ‘કથા એક વિશ્વાસની’ ભજવાયા હતા. તેમણે  ‘પ્રગતિ’ અને ‘એક ઉમ્મીદ’ નામે ઇ-બુક પણ બહાર પાડી છે. તેમનું લખેલું નાટક ‘કથા એક વિશ્વાસની’ એ નાટ્ય લેખન સ્પર્ધામાં પ્રોત્સાહક ઇનામ મેળવ્યું હતું.

એસ.એન.ડી.ટી, મહિલા વિધાપીઠ દ્વારા આયોજિત થયેલી ‘સેવા પરમો ધર્મ’ વિષય પર આધારિત આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક લેખન સ્પર્ધામાં તેમના લખેલા એકાંકી ‘સમર્પણ’ને તૃતીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું લખેલું એકાંકી ‘યે AI…AI ક્યા હૈ ?’ શાળાનાં વિધાર્થીઓ દ્વારા અને લઘુ નાટક ‘માનુષ સંગ, રંગોનો અંતરંગ’ બે જુદા જુદા યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં કોલેજના વિધાર્થીઓ દ્વારા ભજવવામાં આવ્યું હતું. ઉભરતા લેખકની સાથે તે એક પેશનેટ રીડર પણ છે. તેમણે  દૂરદર્શન માટે વિવિધ લોકોના ઇન્ટરવ્યુ પણ કર્યા છે. કન્ટેન્ટ રાઈટર ઉપરાંત વી.ઓ. આર્ટિસ્ટ અને એંકર તરીકે પણ તેમણે કાર્ય કર્યું છે.