વાંકાનેર ખાતે ૪૨૨ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

નવા એસ.ટી. બસ સ્ટેશનથી વાંકાનેર તાલુકાના નાગરિકોની  દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે

વાંકાનેર ખાતે રૂ.૪૨૨.૭૬ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યસભાના સંસદ સભ્યશ્રી કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેધી તેમજ વાકાંનેરના ધારાસભ્યશ્રી જિતેન્દ્રભાઇ સોમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા જણાવ્યું હતું કે, નવા બસ સ્ટેશનથી નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકોની સુખકારી માટેના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાનો ઉલ્લેખ કરી વાંકનેરના લોકોને પણ રાજ્ય સરકારની ભેટ સ્વરૂપે નવું બસ સ્ટેશન પ્રાપ્ત થયાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે નવા બસ સ્ટેશનથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. મુસાફરો બસની રાહ જોતાં હોય ત્યારે શાંતીથી બેસી શકે તે માટે સુંદર બસ સ્ટેશનું નિર્માણ કરાયું છે.

આ તકે વાંકાનેર મતવિસ્તારના ધારાસભ્ય જિતેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિકાસની ગતી ઝડપી બની છે. છેવાડાના માનવીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી લાભો પહોંચાડવામાં આવ્યા છે.

માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય અધિકારી જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે નવીન બસસ્ટેશન POP બેઝ બનાવવામાં આવ્યું છે. મુસાફરોને લગતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન રિઝર્વેશન, વિદ્યાર્થી પાસ, પૂછપરછ, દિવ્યાંગો માટે બેસવાની  તેમજ યુરીનલ માટે અલગથી વ્યવસ્થા, બેબી ફીડીંગ રૂમ સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી ઉપરાંત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ હરીસિંહ ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, વિભાગીય નિયામક જે. બી. કલતોરા, અગ્રણી સર્વઓ હિરેનભાઈ પારેખ અને અશ્વિનભાઈ મેઘાણી તથા અધિકારીઓ, કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેરના અદ્યતન બસસ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓની ઝલક

 • બસ ડેપોની જમીનનો કુલ વિસ્તાર ૧૯૨૮૪ ચો.મી
 • બાંધકામ વિસ્તાર ૯૬૭.૫૨ ચો.મી
 • પ્લેટફોર્મની સંખ્યા: ૮
 • પ્લેટફોર્મનો વિસ્તાર ૧૨૫.૨૭ ચો.મી
 • મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
 • કિચન સાથેની કેન્ટીન
 • વોટર રૂમ
 • પાર્સલ રૂમ
 • ઇલેક્ટ્રિક રૂમ
 • સ્ટોલ: ૪
 • ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ
 • વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય
 • લેડિઝ રેસ્ટ રૂમ