અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરો તેમજ અન્ય ખાતાના વડાઓને સૂચનો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી.ઝવેરીએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ, પોલીસ અધિક્ષક, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, પોસ્ટ ઓફીસ, આર.પી.એફ. સાથે કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવ્યું હતું.
કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરીએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદિપસિંહ વાળા, લીડ બેન્ક મેનેજર સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.