નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર એ ૧૨ જેટલી ઇમરજન્સી સેવાઓના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી
મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ આવશ્યક સેવાઓના કર્મચારીઓ મતદાનના હકથી વંચિત ન રહે અને તેઓ આવશ્યક સેવાઓ સાથે મતદાન પણ કરી શકે તે બાબતે વિવિધ આવશ્યક સેવાઓના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તાજેતરમાં ઈલેક્શન કમિશન દ્વારા વિવિધ આવશ્યક સેવાઓના કર્મચારીઓ (Absentee Voters on Essential Service(AVES))ને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા પ્રાપ્ત થાય તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફોર્મ-12d સહિત વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વીજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, આરોગ્ય વિભાગ, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓ સહિતની ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઇમરજન્સી સેવા સાથે મતદાન પણ કરી શકે તે માટે આ આવશ્યક સેવાઓના કર્મચારીઓના ફોર્મ-12d ભરવા સહિતની વિવિધ કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
શ્રી એસ.જે. ખાચર દ્વારા તમામ અધિકારીઓને ફોર્મ-12d ભરવા, ભરીને સબંધિત R.O.ને કેવી રીતે પહોંચાડવું તેમજ આગળની તમામ પ્રક્રિયા અંગે માહિતી આપી વાકેફ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આવશ્યક સેવાઓના કર્મચારીઓ માંથી કોઈપણ મતદાન વિહોણું ન રહે તે બાબતે ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં વીજળી વિભાગ, બીએસએનએલ, રેલવે, આરોગ્ય વિભાગ, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓ સહિત આવશ્યક સેવાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.