મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમાની જાહેરાત થતાં જ બાળાએ આપ્યુ પ્રથમ દાન

મોરબી: આજના યુગમાં સારા કાર્યોથી અનેક લોકોને પ્રેરણા મળતી રહે છે. જેના થકી અન્ય લોકો પણ પ્રેરાઇ સારા કાર્યોમાં સહભાગી થાય છે. ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ક્રાંતિકારી સેના દ્વારા આપણા વીર શહિદો જેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેમના ક્રાંતિકારી વિચારો લોકો સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે નાના બાળકોમાં પણ ક્રાંતિકારીઓને લઈને અલગ ભાવ અને દેશ પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે.

જેની વાત કરીએ તો ગઈકાલે મોરબી રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ)ની બાજુમાં મહાન ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવાની ક્રાંતિકારી સેના તથા રવાપર ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે જાહેરાત થતાં જ મોરબીની વેદીબેન ભાવેશભાઈ છત્રોલા નામની બાળાને જાણ થતાં જ સૌથી પહેલા પોતાના ગલ્લામાં એકત્રિત કરેલ રકમ પ્રતિમા બનાવવા માટે અર્પણ કરી દીધા હતા. ત્યારે ક્રાંતિકારી સેનાએ બાળાને અભિનંદન પાઠવી બાળકો સુધી આવા વિચારો પહોંચાડવા અપીલ કરી હતી.