મોરબીમાં રઝળતા ઢોરોએ ભારે કરી, સરાજાહેર આખલા યુદ્ધે પત્રકાર મિલનભાઈને ઉલાળીયા

રઝળતા ઢોરો ત્રાસ બેકાબુ બનવા છતાં તંત્ર રઝળપાટ કરતા ઢોરોને ડબ્બે ન પૂરતા ભારે જનાક્રોસ

મોરબી : મોરબીમાં તંત્રના પાપે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, જ્યાં જુઓ ત્યાં ઢોરોનો જુમલો જ દેખાય છે અને ઘણીવાર આખલા યુદ્ધ થાય છે. ત્યારે સામાન્ય નાગરિકો અત્યાર સુધોમાં અસંખ્ય વખત ઢોરોની ઢીકે ચડી ગયા હોય ત્યારે હવે જાણીતા પત્રકાર મિલન નાનકને આખલા યુદ્ધે ફંગોળી દીધા હોવાની ઘટના સામે આવી છે. જેથી તેઓને હાથ-પગ છોલાવા તેમજ મૂઢ ઇજા પહોંચી છે.

મોરબીમાં એકાદ વર્ષ પહેલાં પાલિકામાં ભાજપની બોડીની સતા હોય ત્યારે રઝળતા ઢોરના ત્રાસનો મુદ્દો બહુ જ ગાજતા અંતે ભાજપની બોડીએ લોકહિતમાં શહેરમાં એક આખી મજબૂત ટીમ ઉભી કરીને શહેરમાં રઝળતા ઢોરોને પકડની ઝુંબેશ શરૂ કરી શહેરમાં મુખ્યમાર્ગો તેમજ દરેક શેરી ગલીમાંથી એક તબબકે કુલ આશરે 500 જેટલા રઝળતા ઢોરને ડબ્બે પુરી પંચાસર રોડ ઉપર પાલિકાની ફાજલ જમીનમાં નદીઘર બનાવીને રાખ્યા હતા. પણ ભાજપની બોડી ઝૂલટાપુલ દુર્ઘટનામાં બરખાસ્ત થતા જ અધિકારીઓના હવાલે આવેલા વહીવટમાં પાલિકાનું સ્વભંડોળ ભેદી રીતે ગાયબ એટલે તળિયા ઝાટક થવાથી નદીઘરનો નિભાવ થઈ શકે એમ ન હોય જે તે વખતે ધારાસભ્ય અમૃતિયાએ આ 500 જેટલા નદીઓને પાંજરાપોળ ખસેડી દીધાનું જાહેર કર્યું હતું.

પણ અગાઉ જ્યારે ઢોર ઝુંબેશ શરૂ થઈ હોય ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ રઝળતા ઢોર ન હોય અને ઢોરો ગાયબ દેખાયાની વચ્ચે અચાનક રાતોરાત ફરી શેરીએ ગલીએ અને રાજમાર્ગો ઉપર આવી જતા તંત્રએ નદીઘરના ઢોરોને પાંજરાપોળ ખસેડી દીધાની કેસેટ ખોટી વગાડી હોય એવું ચિત્ર સામે આવ્યું હતું. આથી ફરી એકવાર રઝળતા ઢોરો અગાઉની જેમ આખા શહેરમાં વર્ચસ્વ જમાવી દેતા આખલા યુદ્ધથી નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે જાણીતી ન્યુઝ ચેનલના રિપોર્ટર મિલન નાનક પોતાનું બાઇક લઈને શનાલા રોડ ઉપર માતાની દવા લેવા જઈ રહ્યા હતા. આ પત્રકાર એમની સાઈડમાં હોય અને વાહનની ગતિ પણ મર્યાદામાં હોવા છતાં તંત્ર પાપે જાણે તેમના નસીબીમાં પીડા લખી હશે એમ માની શાંતિથી બાઇક જઇ રહેલા મિલનભાઈને બાઇક સાથે ઓચિંતા જ રોડ ઉપર લડાઈ કરતા કરતા આવી ચડેલા બે આખલાઓએ ફંગોળી દીધા હતા. આ આખલા યુદ્ધ ઓચિંતા જ ધમાસણ મચાવીને રોડ ઉપર નીકળેલા બાઇક સાથે મિલનભાઈને જોરદાર રીતે પટકતા હાથે પગે ગંભીર રીતે છોલાઈ ગયા હતા. જો કે સદનસીબે જ્યારે આખલા યુદ્ધે આ પત્રકારને હડફેટે લઈ જમીન પર પટકી દેતા ત્યારે આગળ પાછળ બધા વાહન ચાલકો ઉભા રહી જતા મિલનભાઈને બાલ બાલ બચી ગયા હતા.