વાંકાનેરમાં ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે ઇકો ચાલકો વચ્ચે બબાલ થતાં બે ભાઈઓનો છરી વડે યુવાન પર હિચકારો હુમલો

અગાઉ પેસેન્જર ભરવાની બબાલ થઇ હતી

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : શહેરના જીનપરા હાઇવે જકાતનાકા ખાતે ગતરાત્રિના ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ અદાવતનો રાખી પોતાની સ્વિફ્ટ કારમાં પેટ્રોલ પુરાવવા આવેલ યુવાનને ગાળો આપી બે સગા ભાઈઓએ છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિભાભાઇ ઉર્ફે બાબુભાઇ મોનાભાઇ સરૈયા (ઉ.વ. ૨૫, રહે. જેતપરડા) એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને ચારેક માસ પુર્વે ઇકોમાં પેસેન્જર બરવા બાબતે આરોપી સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા અને ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયા (રહે. બંને જીનપરા) સાથે માથાકુટ થયેલ હોય, જેમાં ફરિયાદી ગત મોડી રાત્રીના જીનપરા જકાતનાકા પાસે સ્વિફ્ટ કારમાં પેટ્રોલ પુરાવવા જતા ત્યાં ઉભેલા ઉપરોક્ત બંને આરોપી ભાઇઓ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ બંને આરોપીઓએ ફરિયાદી પર છરી વડે હુમલો કરી માથા તથા પડખાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી, જેથી ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો, જે બાદ ફરિયાદીએ બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.