રાજ્યમાં સમાવિષ્ટ 26 લોકસભા અને 05 વિધાનસભા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ
રાજ્યમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
• રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક
• ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓને ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધા અપાશે
• અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત
• c-VIGIL મોબાઈલ ઍપ, National Grievance Services Portal, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈ-મેઇલ મારફતે અત્યાર સુધીમાં લગભગ 10 હજારથી વધુ ફરિયાદો મળી
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમુના નં-01 માં ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આગામી તા.19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
ઈ.વી.એમ
રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ(AS) કક્ષાએ કરવામાં આવી છે.
હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
પોસ્ટલ બેલેટ
ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઇવર્સ, કન્ડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મત પત્ર માટેના ફોર્મ-12 આપવાની કામગીરી ચાલી રહી છે.
એબ્સન્ટી વોટર્સ
મતદારયાદીમાં નોંધાયેલા 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 4.19 લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 3.75 લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો; જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-12D વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 12 જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-12D પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.
ફરિયાદ નિવારણ
c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.10/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 1,615 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.10/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 6,087, મતદાર યાદી સંબંધી 574, મતદાર કાપલી સંબંધી 138 તથા અન્ય 1,520 મળી કુલ 8,319 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 99 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 18, રાજકીય પક્ષો લગત 09, ચૂંટણી પંચ સંબંધી 34 તથા અન્ય 374 મળી કુલ 435 ફરિયાદો મળી છે.
આદર્શ આચારસંહિતા
તા.16/03/2024થી તા.10/04/2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,64,984 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60,737 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.