મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હીટ વેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટ વેવને પગલે હેલ્પલાઈન નંબર જારી; ૦૨૮૨૨-૨૪૩૩૦૦/૨૪૩૪૩૫ અથવા ૧૦૭૭ પર સંપર્ક કરવો

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરો(હીટ વેવ – લુ લાગવાથી) થી બચવા માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે. ત્યારે મોરબી જિલ્લાની જાહેર જનતાને હીટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

શું કરવું: દિવસે ૧૨:00 થી સાંજે 0૩:૦૦ વાગ્યા સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવું. બને એટલું વધારે પાણી પીવું, તાજા ફળોનું સેવન કરવું, સાદા સુતરાઉ કપડાં પહેરવા, સીધા સૂર્ય પ્રકાશમાં બહાર જવાનું ટાળો, છાંયામાં રહો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણી વ્યવસ્થા કરો તેમજ બે-ત્રણ દિવસે પક્ષીકુંજ સાફ કરો, જો કોઈને હીટસ્ટ્રોક થાય તો સૌપ્રથમ આઇસપેક અથવા ઠંડા પાણીથી શરીરનું તાપમાન સામાન્ય કરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ, ઘરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ (મીઠું અને ખાંડવાળું પાણી) રાખો, વધુ પાણીનું સેવન કરો.

શું ન કરવું: બપોરે ગરમીના સમયે બહાર જવાનું ટાળવું, બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ ખાવાનું ટાળવું, કન્સ્ટ્રક્શન સાઇટ કે કામ પર જવાનું ટાળવું, આલ્કોહોલ, ચા-કોફી અને વધારે ઠંડા પાણીને ટાળો, નાના બાળકો, સગર્ભા અને વૃદ્ધોએ તડકામાં બહાર ન જવું, ઉઘાડા પગે ન ચાલવું.

લુ લાગવાના (હીટસ્ટ્રોક) લક્ષણો: જો કોઈ વ્યક્તિને લુ લાગી હોય તો તેના કેટલાક લક્ષણો છે જેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ગરમ, લાલાશ અને શુષ્ક ત્વચા, માથાનો દુ:ખાવો, શ્વાસોશ્વાસ અને હ્યદયના ધબકારા વધી જવા, શરીરનું તાપમાન ૪૦.૫ સેલ્સિયસ અથવા ૧૦૫ ડિગ્રી ફેરનહીટ થઈ જવું ઉબકા અને ઉલટી થવી, સ્નાયુની નબળાઈ અથવા ખેંચતાણ થવી વગેરે લુ લાગવાના લક્ષણો છે.

લુ લાગવાના લક્ષણો જણાય તો શું કરવું: લુ લાગવાની સ્થિતિમાં સ્નાન લો, ઠંડી જગ્યાએ જવું. આરામ કરો, વધુ પાણી પીવું. ડોક્ટરની મુલાકાત લો. માથાનો દુ:ખાવો બેચેની, ચક્કર, ઊબકા કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ સારવાર લેવી. લક્ષણો વધારે ગંભીર થાય, સ્નાયુનું ખેંચાણ એક કલાકથી વધુ ચાલે છે, બેભાન થવાની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક કોલ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવો. હીટ વેવની સ્થિતિમાં સાવચેત રહેવા અને તકેદારીના પગલા ભરવા માટે મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.