જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને આકર્ષવા માટે જિલ્લાના વેપારીઓ સાથે કલેક્ટરશ્રીની બેઠક યોજાઈ
અવસર લોકશાહીનો એટલે કે આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય એવા શુભ આશય સાથે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શો રૂમ, દુકાન તેમજ હોટલ માલિકો સાથે બેઠકો યોજી મતદારો માટે વિવિધ આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.
મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળાના અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના વિવિધ મેડિકલ, સિનેમા, રેસ્ટોરેન્ટ, હોટલ્સ, મોલ, શોરૂમ, દુકાન વગેરેના માલિકો દ્વારા મતદાન કરીને જે વ્યક્તિ ખરીદી કરવા આવે તેમને મતદાનના દિવસે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં રેસ્ટોરન્ટ અને હોટલ્સ દ્વારા જમવા માટે તેમજ રૂમ બુકિંગ માટે મતદાનના દિવસે જે મતદાન કરીને આવે તેમના માટે ૧૦% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સિનેમા ગૃહોમાં મતદાન કરી ફિલ્મ જોવા આવનારને પોપકોન ફ્રી આપવામાં આવશે તેવો નિર્ણય સિનેમા ગૃહોના માલિકો દ્વારા કરવામાં આવ્યો છે. વિવિધ મેડિકલમાં ૭% તો અન્ય દુકાન/મોલ/શો રૂમ વગેરેમાં પણ ૭% થી માંડીને પ્રોડક્ટ મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ આ બેઠક અન્વયે જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત કરવા મતદાન ખૂબ અગત્યનું છે જેથી લોકો વધુને વધુ મતદાન કરે ચૂંટણીની પ્રક્રિયામાં સહભાગી બને તેમ જ ચૂંટણીને પર્વ સમજી ઉજવે તે માટે સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે. જેથી જિલ્લાના તમામ વેપારીઓને મતદારો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર બનાવી તેમને મતદાન કરવા પ્રેરિત કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સર્વે વેપારી મિત્રોએ ‘હું અવશ્ય મતદાન કરીશ’ તેવી સિગ્નેચર કેમ્પેઈનમાં ભાગ લઈ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી, નાયબ મામલતદાર આર.જી. રતન, પી.એચ. પરમાર તેમજ જિલ્લાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.