વાંકાનેરમાં દર મહિનાના પહેલાં રવિવારે શિક્ષકો અને યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં શિક્ષકો અને યુવાનો દ્વારા વર્ષ ૨૦૧૮ થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકો અને યુવકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દર મહિનાના પ્રથમ રવિવારે આશરે ૩,૫૦૦ જેટલાં પુસ્તકો વાંકાનેરના લોકોને વિના મૂલ્યે વાંચવા માટે આપે છે.

જેમાં નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, નાટકો, બાળવાર્તાઓ, જીવન ચરિત્ર, પ્રેરણાત્મક, સ્પર્ધાત્મક તેમજ આધ્યાત્મિક પુસ્તકોનો સમાવેશ થાય છે.વાંકાનેર તાલુકાના ઘણાં બધાં લોકો આ પુસ્તક પરબનો લાભ લે છે અને ઉત્સાહ સાથે હકારાત્મક અભિપ્રાય પણ આપે છે. આ પુસ્તક પરબમાં લોકોને વિના મૂલ્યે પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે અને દાતાઓ તરફથી પુસ્તકો સ્વીકારવામાં પણ આવે છે.

આ પુસ્તક પરબના કાર્યમાં જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઇ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી, ડૉ. ડાહ્યાલાલ પરબતાણી વેગેરે મિત્રોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. તા. ૨ જૂન, ૨૦૨૪, રવિવારના રોજ પણ પુસ્તક પરબનું આયોજન થયું હતું. જેમાં વાંકનેરના લોકોને વિના મૂલ્યે પુસ્તકો વાંચવા માટે આપવામાં આવ્યા હતા. લોકોમાં વાચન પ્રત્યે જાગૃતિ આવે, વધુ ને વધુ લોકો પુસ્તકો વાંચવા માટે પ્રેરાય એ હેતુથી પુસ્તક પરબ ચલાવવામાં આવે છે.