મોરબીમાં ઉત્સાહભેર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો
વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને વર્ષ ૨૦૧૫ માં મંજૂરી મળતા દર વર્ષે ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ ‘ની થીમ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તથા મોરબી-માળીયા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૮ કલાક કાર્ય કરી રહ્યા છે તેનું કારણ યોગ છે, વહેલી સવારમાં વહીવટી કામ કરતાં હોય તેવા વડાપ્રધાન ભારત દેશને મળ્યા છે. જીવનમાં મળેલ ૨૪ કલાકનો મહત્તમ ઉપયોગ કરવો હશે તો તેના માટે યોગ કરવા જરૂરી છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત શારીરિક તેમજ શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્વનું યોગદાન છે. આ સાથે મોરબીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મંજૂર થયા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે. યોગ આપણાં શરીરમાં સ્ફૂર્તિ તેમજ સ્વાસ્થ્ય માટે જરૂરી છે યોગને આપણે માત્ર આજના એક દિવસ માટે જ નહી પરંતુ રોજબરોજની જિંદગીમાં આવરી લેવા જોઈએ વધુમાં તેમણે સૌને નીરોગી સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ યોગાસન, પ્રાણાયમ અને ધ્યાન કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. ઉપરાંત જિલ્લામાં ૪૫૦ જેટલા મુખ્ય સ્થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧,૪૦,000 થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. મોરબી જિલ્લાના કો- ઓર્ડીનેટર વાલજીભાઇ ડાભી અને તેની ટીમે ઉપસ્થિત સૌને યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળીયા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષકચીરાગ અમીન, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પૂરવઠા અધિકારી સંદીપ વર્મા, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબારીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી રવીકુમાર ચૌહાણ, અગ્રણી ડૉ.જયંતીભાઈ ભાડેશીયા, ઔદ્યોગિક સાહસિકો, અધિકારી કર્મચારીઓ, યોગા ટ્રેનર્સ, પોલીસના જવાનો, શાળા-કોલેજના વિધાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.