માળિયા તાલુકાના મોટીબરાર ગામે રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ 3 થી 12માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી રવિભાઈ ચૌહાણ, નરસિંહભાઈ, સરવડ સી.આર.સી. મહેશભાઈ ચૌહાણ, મોટીબરાર ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.