વિવિધ ઘટકમાં લાભ મેળવવા માટે http://ikhedut.gujarat.gov.in પર ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘GROW MORE FRUIT CROPS’ અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળ પાકોનું વાવેતર કરે તે આશયથી ફળપાકોમાં સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
બાગાયત ખેડૂતો માટે પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ આગામી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
જેથી મોરબી જિલ્લાના બાગાયત ખેડૂતોએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અન્વયે ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે સમય મર્યાદામાં મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.