વિદેશ અભ્યાસ માટે રાજ્ય સરકારની રૂ. ૧૫ લાખની સહાય થકી માલટા શહેરમાં એમબીએમાં અભ્યાસ કરતા લાભાર્થી હસમુખભાઈ
ગુજરાત રાજ્યમાં વસતા દરેક વર્ગના લોકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે સાથે સાથે વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ રહી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જાતિના કલ્યાણ તથા સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આવાસ રોજગાર લક્ષી સહાય અને સબસીડી, વીજ જોડાણ, સિંચાઈ વગેરે મળીને તમામ પ્રકારની સાધન સહાય અને સગવડો આપીને સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવી છે.
આ યોજના થકી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન સહાય મેળવનાર મોરબીના હસમુખભાઈ મકવાણા જણાવે છે કે મેં બી.કોમ. સુધી સ્નાતક કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કરેલ છે. મને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટેની ઈચ્છા હતી. ત્યારે મારા રિલેટિવ દ્વારા ગુજરાત સરકારશ્રીની વિદેશ અભ્યાસ લોન અંગેની માહિતી મળતા મેં તરત જ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મોરબીની મુલાકાત લીધી હતી. કચેરીના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. ઉપરાંત યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
મેં માલટા દેશમાં શહેરની ગ્લોબલ કોલેજ માલટામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી કોર્સમાં એડમિશન મેળવી એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન એપ્લિકેશન કરવામાં આવી અરજીમાં માગવામાં આવેલ તમામ સાધનિક કાગળો અપલોડ કરવામાં આવ્યા. મારી અરજી પ્રત્યે જિલ્લા કચેરી તરફથી ઝડપથી કામગીરી કરવામાં આવી અને ગાંધીનગર ખાતેની નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની કચેરી તરફથી ખૂબ જ ટૂંકા સમયમાં રૂપિયા ૧૫ લાખની લોન મંજૂર કરી રકમ સીધી મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી.
હું માલટા શહેરની યુનિવર્સિટી ઓફ ગ્લોબલ કોલેજ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી કોર્સ એમ.બી.એ.માં અભ્યાસ કરી રહ્યો છું.
સરકારશ્રીની વિદેશ અભ્યાસ લોન યોજનાના લાભ થકી હું મારું સપનું સાકાર કરી શક્યો છું. આ યોજનાના લાભ માટે હું અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની મોરબી જિલ્લા કચેરી તેમજ ગાંધીનગર ખાતેની કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓનો ખૂબ જ આભારી છું અને વિશેષ આભાર ગુજરાત સરકારનો કે જેણે વિવિધ યોજનાઓ બનાવી મારા જેવા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા હજારો વિદ્યાર્થીઓને મદદરૂપ બની તેમની શૈક્ષણિક કારકિર્દી બનાવવાની તક આપવા બદલ અને સપનાઓ સાકાર કરવા બદલ હું ગુજરાત સરકારનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ પછી ડિપ્લોમા સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે અથવા સ્નાતક પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ માટે મહત્તમ રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન રાજ્ય સરકાર આપે છે. આ લોન માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે અનેક સુધારાઓ સાથે નવો ઠરાવ પસાર કરીને સરળતા અને સુગમતાનો માર્ગ મોકળો બનાવ્યો છે.