રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હરિયાણા ખાતે આવેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ બદલાયો : તીથવાના ખેડૂત
આગામી સિઝનમાં કરશે પ્રાકૃતિક કૃષિ હેઠળ અંજીરની ખેતી, ખેડૂત નુરમામદભાઈ પટેલ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની આપે છે તાલીમ
રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. મોરબી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામના ખેડૂત નુરમામદભાઈ પટેલ આત્મા પ્રોજેકટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલા ૫૩ વર્ષીય નુરમામદભાઈ જણાવે છે કે, અમારી જમીન એકદમ બિન ઉપજાવ બની ગયેલ હતી, જેના લીધે પાક ઉત્પાદન ઘટવા લાગ્યું અને ખર્ચ વધવા લાગ્યો પરિણામે નફાનો ગાળો ઓછો રહેવા લાગ્યો ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. હાલ હું ૧ એકરમાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત કપાસ, ઘઉં અને જુવારની ખેતી કરી રહ્યો છું. ગયા વર્ષે મને ૧ લાખ રૂપિયા જેટલી આવક મળી હતી.
હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૫ વર્ષથી જોડાયેલો છું. આત્મા દ્વારા આયોજિત વિવિધ તાલીમો પણ ભાગ લઉં છુ. સુભાસ પાલેકર પ્રાકૃતિક કૃષિ માટેની વડતાલ ખાતે સાત દિવસની તાલીમમાં જોડાયો હતો. હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજવામાં આવી હતી ત્યાં મોરબી જિલ્લાના આત્મા સ્ટાફ દ્વારા અમોને લઈ જવામાં આવ્યા હતા. અમે વાંકાનેર તાલુકાના ૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જોડાયા હતા ત્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમને તાલીમ આપી હતી. ત્યાં અમે આચાર્ય દેવવ્રતજીના ફાર્મની અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પ્રાકૃતિક કૃષિ કરવામાં અંગે મારો આત્મ વિશ્વાસ વધ્યો હતો. ઉપરાંત મે અડાલજ સ્વામી કેવલ્ય સ્વરૂપની ૭ દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. આત્મા સ્ટાફ દ્વારા તિથવા ગામમાં જ તાલિમ યોજવામાં આવી હતી જેમા પણ મે માર્ગદર્શન મેળવ્યું હતું. આમ, વિવિધ તાલીમોમાં પ્રાકૃતિક કૃષિ અંગે મળેલ માર્ગદર્શનનો ઉપયોગ મારા ખેતરમાં કરી રહ્યો છું.
અમે આગામી સીઝન દરમિયાન પોષ્ટિક તત્વોથી ભરપૂર એવા અંજીરની ખેતી કરવાનું આયોજન કરીએ છીએ. આ માટે અમે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિ હેઠળ તૈયાર થયેલા અંજીરના ફાર્મની મુલાકાત લેવા જવાના છીએ. અંજીરની ખેતીમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ, યુરિયા, ડીએપી કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાના નથી. પ્રાકૃતિક ખેતીના નિયમ પ્રમાણે જમીનમાં ભેજ જળવાઈ રહે તેનું ધ્યાન રાખીશું. અંજીરની ખેતીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી ગુણવત્તા વાળા અંજીરનું ઉત્પાદન કરીશું.
નુરમામદભાઈ પટેલ દર ત્રણ-ચાર મહિને તીથવા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે બેઠક યોજી ખેડૂતોને જીવામૃત તથા ઘન જીવામૃત બનાવવાની તાલીમ આપે છે. ઉપરાંત પ્રાકૃતિક કૃષિથી થતા લાભોથી માહિતગાર પણ કરી રહ્યા છે. સારું ઉત્પાદન મેળવવા વાંકાનેર તાલુકાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કરી રહ્યા છે.