મોરબી જિલ્લા વહિવટી તંત્રની અનન્ય પહેલ; ગામડાઓમાં ખૂટતી સુવિધાઓ/પડતી મુશ્કેલીઓ નિવારવા અધિકારીઓ પહોંચ્યા ગામડે
સરકાર દ્વારા આપવામાં આવતા લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર તત્પર
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. હાલ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે પહેલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી સુવિધાઓ વગેરે અંગે માહિતી મેળવી સંબંધિત વિભાગો દ્વારા કલેક્ટરશ્રીની સૂચના હેઠળ આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તારીખ ૦૨/૦૮/૨૦૨૪ ના રોજ જિલ્લાના ૫૦ અધિકારીઓ દ્વારા ૫૦ ગામોની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૭ ગામ વાંકાનેર તાલુકાના ૧૨ ગામ ટંકારા તાલુકાના ૮ ગામ માળિયા(મીં) તાલુકાના ૧૧ ગામ હળવદ તાલુકાના ૧૨ ગામ મળી કુલ ૫૦ ગામની મુલાકાત કરવામાં આવી હતી. જે સંદર્ભે ગામડાઓમાં ગામમાં કે ગામની આજુબાજુ સરકારી દવાખાના સિવાય ખાનગી દવાખાનું કે ડોક્ટર છે કે કેમ, એ ડોક્ટર યોગ્ય ડિગ્રી ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. ગામમાં આવેલ પી.એચ.સી., સી.એચ.સી., સબ સેન્ટર વગેરે ૨૪ કલાક કાર્યરત રહે છે કે કેમ, ત્યાં સ્ટાફ દિવસ રાત એમ બંને સમય હાજર રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
ગામની મુલાકાત દરમિયાન ગામની અંદર શિક્ષિત બેરોજગાર કેટલા છે અને કયા કારણોસર છે, આવા બેરોજગારોને રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવેલું છે કે કેમ તે અંગે વિશ્લેષણાત્મક તપાસ કરવામાં આવી હતી. ગામમાં પેન્શન મળવા પાત્ર વૃદ્ધોને તેમજ વિધવા મહિલાઓને સમયસર પેન્શન મળી રહે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. ગામડાઓમાં સરકારી તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણોની વિગત મેળવવામાં આવી હતી તેમજ આ દબાણો દૂર કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી.
ગામની શાળાઓમાં સી.આર.સી. દ્વારા નિદર્શન પાઠ ક્યારે ક્યારે ભણવામાં આવે છે અને જો ભણાવવામાં ન આવતો હોય તો કેટલા સમયથી આ પાઠ ભણવામાં આવતો નથી તેની વિગતો, સરકારી શાળાઓ સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી ખુલી રહે છે કે કેમ અને શિક્ષકો હાજર રહે છે કે કેમ તેની વિગતો ઉપરાંત આવી શાળાઓની આસપાસ ૧૦૦ મીટરના ત્રિજ્યામાં તમાકુ ગુટખા કે અન્ય કોઈ પ્રકારના કેફી દ્રવ્યનું વેચાણ નથી થતું તે બાબતની ચકાસણી પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરશ્રીની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.