જિલ્લાના ૫ તાલુકાઓમાં ૨૭, ૦૦૦ ખેડૂતોને એફ.એમ.ટી. અને ટી.એમ.ટી. દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળી રહે અને તેમને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં જ નિવારી શકાય તે માટે પંચાયતોને ક્લસ્ટરમાં વહેંચી કલસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અન્વય મોરબીમાં ચાલુ વર્ષે હાલની સ્થિતિએ ૭૨ ક્લસ્ટરમાં તાલીમનું આયોજન કરી અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ગ્રામ પંચાયતોને વહેંચવામાં આવી છે. આ ક્લસ્ટર દીઠ જિલ્લાના તમામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર બેઝ તાલીમની કામગીરી આત્માની કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે ચાલુ વર્ષે હાલની સ્થિતિમાં અંદાજિત ૨૫,૭૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી છે.
વિગતે વાત કરીએ તો જિલ્લામાં વાંકાનેર તાલુકાના ૧૮ ક્લસ્ટરમાં ૬,૧૨૮ ખેડુત, મોરબી તાલુકાના ૨૨ ક્લસ્ટરમાં ૮,૨૩૫ ખેડૂત, માળિયા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૨૦૫ ખેડૂત, ટંકારા તાલુકાના ૯ ક્લસ્ટરમાં ૩,૧૨૨ ખેડૂત અને હળવદ તાલુકાના ૧૪ ક્લસ્ટરમાં ૫૦૧૦ ખેડૂત એમ કુલ ૭૨ ક્લસ્ટરમાં ૨૫,૭૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.
મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને અન્ય પરંપરાગત ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એફ.એમ.ટી.(ફાર્મર માસ્ટર ટ્રેનર) અને ટી.એમ.ટી(ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) દ્વારા વિશેષ માર્ગદર્શન તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.