“હરે રામા.. હરે કૃષ્ણ…” વિદેશીઓએ ઘુન કીર્તન ગાઈને અલોકીક આનંદની અનુભૂતિ કરી
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે ગત રાત્રે યંગ ઇન્ડિયા ગ્રુપ અને ઇસ્કોન ગ્રુપ દ્વારા ભક્તિમય કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેના રસીયા, યુક્રેઇન સહિતના દેશોમાંથી આવેલા વિદેશી ભક્તોની સાથે મોરબીવાસીઓએ હરે રામા… હરે કૃષ્ણના નાદ સાથે પણ ભક્તિમય સંગીતમાં લિન બની ગયા હતા. બે કલાક સુધી ચાલેલા આ કીર્તનના કાર્યક્રમમાં તમામ લોકો ચિંતામુકત બની ભક્તિમય બની ગયા હતા.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારી જણાવ્યું હતું કે, કોઈપણ ઇષ્ટદેવની ભક્તિ કરવામાં અલૌલિક આનંદની અનુભૂતિ થાય છે. આ રીતે આધ્યાત્મિકતા પ્રાપ્ત થવી જે ભક્તિનો સાચો પ્રકાર છે. પણ આપણે આધુનિકતા અને બાહ્ય આંડબર તેમજ એક બીજાથી ચડિયાતા દેખાવા તથા પૈસો અને કીર્તિ પાછળ એટલા ઘેલા થઈ ગયા છીએ કે આ મૂળ ભક્તિભાવ ભૂલી ગયા છીએ પણ જેને આપણી સંસ્કૃતિ કે ભક્તિ સાથે લેવા દેવા નથી એવા વિદેશીઓ આપણી ભક્તિ ભાવના અપનાવતા થઈ ગયા છે. હવે વિદેશીઓ આપણા દેશમાં આવીને હરે રામાં હરે ક્રિષ્નાની ભક્તિ ધૂન ગાઈને રામ-કૃષ્ણની ભક્તિમાં મગ્ન બની ગયા છે. જેમાં સ્કાય મોલ ખાતે ગત રાત્રે યંગ ઇન્ડિયા ગ્રુપ અને ઇસ્કોન ગ્રુપ દ્વારા ભક્તિમય કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકો સાથે વિદેશીઓએ ઘુન ભજન કીર્તન કરીને ભગવાન રામ કૃષ્ણની ભક્તિ કરી આધ્યાત્મિકની અનુભૂતિ કરી હતી.