અંજારની ધરતી પર મોરબીની સેવાભાવી દીકરી હસીનાબેન લાડકાનું ગૌરવભેર સન્માન, ‘ગોવર્ધન એવોર્ડ’થી નવાજાયા સેવાકાર્યો

અંજાર ખાતે આવેલ સચ્ચિદાનંદ મંદિર ખાતે આયોજિત ભવ્ય સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને પ્રતિષ્ઠિત ‘ગોવર્ધન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા મોરબીના સેવાભાવી મહિલા હસીનાબેન લાડકા, જેમને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કચ્છની પવિત્ર ધરતી પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.

સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ એ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સમાજમાં નિઃસ્વાર્થ સેવા, સાહિત્ય અને સંગીત માનવતાની સાચી ઓળખ છે અને આવા કાર્યકરોનું સન્માન સમાજ માટે પ્રેરણારૂપ બને છે. કાર્યક્રમ દરમિયાન વીનેશ ઠક્કર, રાજેશ પલણ અને વેલજીભાઈ આહીર દ્વારા મહંતશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે વિશેષ ઉપસ્થિત રહેલા ભગવાનદાસજી મહારાજ નું સન્માન જયંત રાઠોડે કર્યું હતું.
સેવા ક્ષેત્રે એવોર્ડ મેળવનાર હસીનાબેન લાડકાએ પોતાના સંબોધનમાં વિનમ્રતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મારું નહીં પરંતુ માનવસેવામાં જોડાયેલા દરેક સેવાભાવી લોકોનું ગૌરવ છે.” મોરબીની ધરતી પરથી નીકળેલી એક સામાન્ય મહિલાએ સમાજસેવાના કાર્યો દ્વારા કચ્છ સુધી પોતાની ઓળખ ઉભી કરી હોવાને કારણે સમગ્ર કાર્યક્રમમાં તેમના કાર્યની સરાહના થઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ હસીનાબેનના સેવાકીય કાર્યને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું હતું.

સાહિત્ય એવોર્ડ વિજેતા કવિ સંજૂ વાળા એ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “રાજસત્તા અને ધર્મસત્તાનું સાયુજ્ય રચાય ત્યારે સમાજની પ્રગતિનો માર્ગ વધુ મજબૂત બને છે.” સંગીત ક્ષેત્રે એવોર્ડ મેળવનાર વેલાભાઈ ભીલ એ ભજનની પંક્તિ રજૂ કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કવિ સંમેલન અને મુશાયરામાં સંજૂ વાળા, વિનોદ ઓઝા, શબનમ ખોજા, જુગલ દરજી અને કુમાર જીનેશ શાહે પોતાની કાવ્યરચનાઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મુશાયરાનું સંચાલન અજય સોનીએ સંભાળ્યું હતું. કાર્યક્રમમાં રાજ સોમૈયા, સુનિલ જોબનપુત્રા, દક્ષા સંઘવી, વિરાજ દેસાઈ, નારાણભાઈ પોરિયા, રમેશ ચૌહાણ, સુનિલ રોશિયા, કામિની ધોળકિયા, પૂનમ યુવા, પૂજા ગઢવી, મનોજ લોઢા, મહેશ સોલંકી, સુનીલ મહેતા, કાજલ છાયા, જયા સાથમ, ડો. નંદલાલ છાંગા, નિલેશ મુરાણી, ડો. ભાવેશ ભટ્ટ, મહેન્દ્ર પંડવા, રણછોડ છાંગા, કમલેશ ગુસાઈ, ડી.સી. ઠકર, વર્ષા ભટ્ટ, વિનોદ કટુઆ, મગનલાલ કન્નડ અને મીત ગઢવી સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન માવજી મહેશ્વરીએ કર્યું હતું જ્યારે સમગ્ર વ્યવસ્થાની જવાબદારી જયંત રાઠોડે સફળતાપૂર્વક નિભાવી હતી.


Leave a Comment