મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે ૨૦૦૦થી વધુ જરૂરિયાતમંદોને દૂધપાક સાથે ભોજન કરાવી જઠરાગ્નિ ઠારી

શિવલિંગને દૂધ ચઢાવવાની સાથે યંગ ઇન્ડિયા ગ્રુપે ગરીબોના મુખે દૂધપાક-ભોજન પીરસી ‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’નો સંદેશ આપ્યો

મોરબી : શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોરબીમાં ભક્તિ સાથે માનવસેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સામાજિક, સેવાકીય, શૈક્ષણિક અને સર્વધર્મ સમભાવ થકી દેશભાવના કાયમ આંખડીત રાખનાર યંગ ઇન્ડિયા ગ્રુપે શહેરના શ્રમજીવી અને પછાત વિસ્તારોમાં વસતા ૨૦૦૦થી વધુ ભૂલકાઓ, વડીલો અને જરૂરિયાતમંદ તમામ લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પૂરી-શાકનો મહાપ્રસાદ જમાડીને ભગવાન શિવની ખરા અર્થમાં આરાધના કરી હતી. આ શિવ આરાધનાને માત્ર શિવલિંગ સુધી સીમિત રાખવાને બદલે જરૂરિયાતમંદના મુખ સુધી પહોંચાડતા આ સેવાકાર્ય દ્વારા જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો ભાવપૂર્ણ સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.

શ્રાવણ માસ મહાદેવની આરાધના અને ભક્તિનો પવિત્ર સમય માનવામાં આવે છે. સોમવારે શ્રદ્ધાળુઓ શિવલિંગ પર દૂધનો અભિષેક કરી ભોળાનાથની આરાધના કરે છે. આ જ ભાવનાને માનવસેવા સાથે જોડીને યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક અને ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યું હતું. ભૂખ્યા અને વંચિત લોકોના ચહેરા પર ભોજન બાદ જોવા મળેલું સંતોષનું સ્મિત જ આ સેવા યજ્ઞની સાચી પ્રસાદી બની રહ્યું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે શિવપુરાણ અને શાસ્ત્રોમાં ભગવાન શિવના અભિષેકનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણના સોમવારે ભક્તો દૂધ અર્પણ કરીને ભોળાનાથને રીઝવવાની ભાવના ધરાવે છે. પરંતુ સનાતન સંસ્કૃતિએ સાથે સાથે જીવ માત્ર પર દયા’ અને ‘નર સેવા એ જ નારાયણ સેવાનો પણ સંદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ભગવાનને દૂધ અર્પણ કરવાની પોતાની ધાર્મિક પરંપરા છે, પરંતુ એ જ દૂધમાંથી બનેલું પૌષ્ટિક ભોજન જ્યારે કોઈ ભૂખ્યા બાળક, વડીલ કે જરૂરિયાતમંદના પેટમાં જાય છે ત્યારે તેમની ભૂખ શમે છે. કોઈ ભૂખ્યા જીવની ક્ષુધા તૃપ્ત કરવી એ પણ શિવની આરાધનાનું જ જીવંત સ્વરૂપ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમના સર્જેલા જીવો પ્રત્યે કરુણા અને સેવા રાખવી એ ભક્તિનો મૂળ ભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂખ્યા જીવના મુખ સુધી પહોંચેલું દૂધ સંવેદનાની શિવભક્તિ

‘શિવલિંગ પર ચઢાવેલું દૂધ ભક્તિ છે, જ્યારે ભૂખ્યા જીવના મુખ સુધી પહોંચેલું દૂધપાક સંવેદનાની શિવભક્તિ છે’, એવી ભાવના સાથે ડૉ. રબારીએ કહ્યું કે શિવ આરાધના અને માનવસેવા એકસાથે જોડાય ત્યારે ભક્તિનો અર્થ વધુ વ્યાપક બને છે. જીવના ચહેરા પર ખુશી લાવવાનું કાર્ય જ ભગવાનની પ્રસન્નતાનો માર્ગ બની શકે છે.ડૉ. દેવેનભાઈ રબારીએ ઉમેર્યું હતું કે વિજ્ઞાન અને સંવેદનાનો સમન્વય ધરાવતા યુવાનોના હૃદયમાં શ્રદ્ધા તથા સેવાની જ્યોત પ્રજ્વલિત થાય ત્યારે સમૃદ્ધ અને સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બને છે.

18 વર્ષથી શિવલિંગને બદલે જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તુપ્ત કરવાનું સેવાકાર્ય

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આ પ્રકારનું સેવાભાવી અભિયાન સતત ચલાવવામાં આવે છે. મહાદેવના સ્મરણ અને પૂજન સાથે સમાજના અંત્યોદય તથા પીડિત વર્ગ સુધી સહાય પહોંચાડવાની આ પરંપરા મોરબીમાં વર્ષોથી જળવાઈ રહી છે. શ્રાવણના પ્રથમ સોમવારે આ સેવાકાર્યમાં ભોજનની એક થાળી સાથે એક વિચાર પણ પીરસાયો હતો કે, ભગવાનને શોધવા માટે માત્ર મંદિર સુધી જવાની જરૂર નથી; કોઈ જરૂરિયાતમંદના જીવનમાં સુખની એક ક્ષણ લાવીએ તો ત્યાં પણ શિવના દર્શન થઈ શકે. ‘જીવ રાજી તો શિવ આપોઆપ રાજી’—આ જ સંદેશ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપનો આ માનવતા યજ્ઞ મોરબીમાં યાદગાર બની રહ્યો હતો.


Leave a Comment